બાળ ઘડતરનું પહેલું પગથિયું એટલે આંગણવાડી, પાંચ કે છ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આરોગ્ય અને શિક્ષણમાં સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્યભરના જિલ્લાઓમાં આંગણવાડીઓ શરૂ કરવામાં આવી છે. શરૂ કરવામાં આવેલી આંગણવાડીઓમાં આવતા બાળકોમાં વિકાસ થાય તે માટે સમયાંતરે નવા નવા આયોજન કરવામાં આવતા રહે છે. જેને કારણે બાળકોના ઉછેર અને અભ્યાસમાં આંગણવાડીની મહત્ત્વની ભૂમિકા સાબિત થઇ છે. ત્યારે ગાંધીનગર બાળ વિકાસ કચેરીના આઇસીડીએસ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં આંગણવાડીમાં આવતા 3થી 6 વર્ષના બાળકોને ગણવેશ આપવાનો નિર્ણય કરાયો છે. રાજકોટ જિલ્લામાં હાલ કુલ 1360 આંગણવાડી આવેલી છે. જેમાં 3થી 6 વર્ષના કુમાર અને કન્યા મળી કુલ 71,276 લાભાર્થી બાળકોનો સમાવેશ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના ભૂલકાંઓ ગણવેશ પહેરીને આવે તે માટે તમામ લાભાર્થીઓને બે-બે જોડી ગણવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
એટલું જ નહિ આંગણવાડીના 3થી 6 વર્ષના પૂર્વ પ્રાથમિક શિક્ષણનો લાભ લેતા તમામ બાળકો સારી રીતે શીખી અને સમજી શકે તે ઉદ્દેશ સાથે વિભાગ દ્વારા રમતગમત ભાગ એક-બે, વિકાસ યાત્રા, ડ્રોઇંગ બુક, વિવિધ વાર્તાઓની ચોપડીઓ સાથેની પ્રિ-સ્કૂલ કિટ આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. બાળકલ્યાણ કચેરીના નિર્ણયને પગલે પ્રિ-સ્કૂલ કિટ તેમજ બે-બે જોડી ડ્રેસનો જથ્થો રાજકોટ જિલ્લા પંચાયતની આઇસીડીએસ વિભાગને મોકલી આપવામાં આવ્યું છે. જે તમામ કિટ આંગણવાડીના બાળકોને આગામી જૂન મહિનાના અંતમાં યોજાનાર પ્રવેશોત્સવ સમયે વિતરણ કરાશે.