Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સાઉદી અરેબિયાના મક્કામાં ગરમીના કારણે 12 થી 19 જૂન વચ્ચે 645 હજ યાત્રીઓના મોત થયા છે. જેમાં 68 ભારતીયોનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયાના એક રાજદ્વારીએ નામ જાહેર ન કરવાની શરતે સમાચાર એજન્સી એએફપીને આ માહિતી આપી.


રાજદ્વારીએ કહ્યું કે ઘણા ભારતીયો પણ ગુમ છે. મૃતકોમાં ઘણા વૃદ્ધ યાત્રાળુઓનો સમાવેશ થાય છે. જોકે, સાઉદી અરેબિયાએ હીટ સ્ટ્રોકના કારણે મૃત્યુઆંક અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. 14 જૂનથી હજ યાત્રા શરૂ થઈ હતી. આજે બુધવારે છેલ્લો દિવસ હતો.

જીવ ગુમાવનારાઓમાં ગુજરાતના 5 હજયાત્રી
સાઉદી અરેબિયામાં પણ ભીષણ ગરમી પડી રહી છે. મક્કામાં પારો 52 ડિગ્રીને પાર જતાં 12 જૂનથી 19 જૂન વચ્ચે 645 હજ યાત્રીઓનાં મોત થયાં છે. અગાઉ આ આંકડો 577 જણાવવામાં આવ્યો હતો. તેમાં ઘણા ભારતીયો પણ છે. જીવ ગુમાવનાર હજયાત્રીઓમાં ગુજરાતના 5 યાત્રાળુ છે. તેઓ છોટાઉદેપુર, અમદાવાદ, વડોદરા,બનાસકાંઠા અને વલસાડના હાજી હોવાનું જાણવા મળ્યંુ છે. હજયાત્રા દરમિયાન જીવ ગુમાવનારા લોકોમાં સૌથી વધુ ઈજિપ્તના 323 લોકો સામેલ છે જ્યારે અન્ય ઘણાં દેશોના હજયાત્રીઓ પણ તેમાં સામેલ છે.

છેલ્લા 3 દિવસમાં મક્કામાં તાપમાન 46 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. 17 જૂને મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાઉદી અરેબિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મક્કા પર ક્લાઈમેટ ચેન્જની ઊંડી અસર થઈ રહી છે. અહીંનું સરેરાશ તાપમાન દર 10 વર્ષે 0.4 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે.