Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ જિલ્લાના જેતપુરમાં રૂપિયા 8.20 લાખની ચોરી કેસમાં પિતાએ તેના પુત્ર અને પુત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન નવો ખુલાસો થયો અને ફરિયાદીની પુત્રીએ પ્રેમીના કહેવાથી ભાઈ સાથે મળી પોતાના જ ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે ભાઈ-બહેન અને તેના પ્રેમી તેમજ પ્રેમીના મિત્રની ધરપકડ કરી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.3.17 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં બાપુની વાડી વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા ફરિયાદીએ પોતાના 8.20 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની નોંધાવેલી ફરિયાદમાં પોતાના જ સગીર પુત્ર અને પુત્રીએ ઘરના કબાટમાંથી અને બેગમાં રહેલા દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદી જ્યારે પોતાના મકાનનો દસ્તાવેજ લેવા માટે બેગ ખોલતા બેગમાં રહેલા સોનાના દાગીના જોવા મળ્યા ન હતા. આ પછી શંકા જતા કબાટ ચેક કરતા તેમાં રહેલા સોનાના દાગીના પણ જોવા મળ્યા ન હતા. જેથી સોનાના દાગીના બાબતે પુત્ર અને પુત્રીને પૂછતાં પોતે જ સોનાના દાગીના થોડા થોડા ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

આ પછી ચોરી કરી દાગીના પુત્રીએ પોતાના પ્રેમી મિત્ર કેતન ઉર્ફે અજય ભાવડીયાને આપ્યા હોવાનો ખુલાસો થતા જેતપુર સિટી પોલીસે ફરિયાદીના સગીર પુત્ર તેમજ પુત્રી અને પુત્રીના પ્રેમીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે આરોપીની પૂછપરછ કરતા ચોરી કરેલા દાગીના આરોપી કેતન ઉર્ફે અજયે પોતાના મિત્ર અભયને વેચવા માટે આપ્યા હોવાનું જણાવતા પોલીસે આરોપી અજયની અટકાયત કરી તપાસ હાથ ધરી જેમાં તેણે પોતે રાજકોટ અને મુંબઈમાં આ ચોરાઉ દાગીના વેચ્યા હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આ કેસમાં ફરિયાદીના સગીર પુત્ર, પુત્રી , પ્રેમી કેતન ઉર્ફે અજય ભાવડીયા અને તેના મિત્ર અભય ગોહેલની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરતા કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.