શેરમાર્કેટમાં જે રીતે તેજી જોવા મળી રહી છે તેના અનુસંધાને રોકાણકારોનો ઉત્સાહ ઝડપભેર વધવા લાગ્યો છે પરંતુ વૈશ્વિક દ્રષ્ટિકોણથી જોઇએ તો દેશમાં હજુ પેનીટ્રેશન ડબલ ડિજિટમાં પણ પહોંચ્યું નથી. એટલું જ નહી મોટાભાગના રોકાણકારો અભ્યાસ વિના જ રોકાણ કરી રહ્યાં છે.
ભારતમાં અભ્યાસ કરીને રોકાણ કરનારાની સંખ્યા માત્ર 5 ટકા છે, જેની સામે અમેરિકામાં ટકાવારી 63 ટકાની છે. ભારતમાં ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ કરનારાઓ લગભગ 50 લાખ આસપાસ છે અને તેમાંથી 90 ટકા લોકો ખોટ કરતાં હોવા છતાં આ સંખ્યા જળવાઈ રહી હોવાનું ડિસ્કાઉન્ટ બ્રોકિંગ ફર્મ ટ્રેડજિનીના સીઓઓ ત્રિવેશ ડી.એ જણાવ્યું હતું.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બિહોન્ડ-15 એટલે કે મેગા અને મોટા શહેરો પછીના અન્ય શહેરો તથા નગરોમાં રોકાણકારોની સંખ્યા વધી રહી છે તે મુખ્યત્વે સોશિયલ મિડિયામાં આવતા રિલને આધારે રોકાણ કરતા હોવાથી આવા વર્ગને વધુ સાવચેત તથા જાગૃત કરવાની જરૂર હોવાનું જણાવીને તેઓએ ઉમેર્યું હતું કે, ભારતમાં ઇક્વિટી કલ્ચર વિકસાવવા માટે જાણકારી અને અભ્યાસ આપવો જરૂરી છે.