રાજકોટ શહેરમાં એક સપ્તાહથી મેઘાવી માહોલ સર્જાયો છે. રવિવારે અને સોમવારે વરસાદ વરસ્યા બાદ મંગળવારે માત્ર વાદળો છવાયા હતા જેથી બફારો અનુભવાયો હતો. બુધવારે બપોર સુધી ધૂપછાંવનો માહોલ રહ્યા બાદ બપોર બાદ ઝાપટાં પડ્યા હતા અને દિવસ દરમિયાન 19 મીમી વરસાદ નોંધાયો હતો આ કારણે સાંજના સમયે ટાઢક પ્રસરી હતી. જોકે હવામાન વિભાગે ગુરુવાર અને શુક્રવાર માટે ભારે વરસાદની આગાહી કરી છે.
બુધવારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારો ખાસ કરીને ગોંડલ, જેતપુરમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટ શહેરમાં પણ 19 મીમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં તો 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. ચોમાસાની સિસ્ટમ સામાન્ય રીતે 20 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં આવી જાય છે પણ આ વર્ષે અલ નીનોની અસરના કારણે સિસ્ટમ ધીમી પડી હતી અને હવે આગળ વધી રહી છે.