ગુજરાતમાં દારૂબંધી છે તે જગજાહેર છે. છતાં સંસ્કારી નગરીની છાપ ધરાવતા રાજકોટમાં જાણે દારૂબંધીનો સદંતર અને સરાજાહેર ભંગ થતો હોવાની ઘટના સામે આવી રહી છે. હજુ શુક્રવારે ST બસના ડ્રાઈવરની દારૂ ભરેલી બેગ શહેરના પોષ વિસ્તાર એવા યાજ્ઞિક રોડ પર પડી અને લોકોએ પોલીસને જ જાણ કરવાની જગ્યાએ બેગમાંથી દારૂ લેવા પડાપડી કરી હતી. એ ઘટનાના 24 કલાક બાદ હાલ ચાર વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. જેમાં શહેરના વેલનાથ પરા વિસ્તારમાં ચૂંટણી પરિણામને જ દિવસે મનપાના શૌચાલયમાં દેશી દારૂનો હાટડા ધમધીમી રહ્યા હોવાનું ઉલ્લેખ કરવામાં આવે છે અને પોલીસની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડાધારીઓ કેટલાય ઘર બરબાદ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાલ આ ચારેય વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
મોરબી રોડ પર આવેલા વેલનાથપરા વિસ્તારમાં પ્રકાશ સોલંકી ઉર્ફે બાડો નામના શખ્સ દ્વારા દેશી દારૂનો વેપોલો ચલાવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આંવે છે. અને વીડિયોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતુ હોવાથી દારૂડિયાઓ શેરીમાં જ્યાં ત્યાં સૂઈ જાય છે લત્તાવાસીઓ આવા આવારાતત્વોથી ત્રાસી ગયા છે. કોઈપણને પૂછો તો કહે કે, દારૂ પ્રકાશ સોલંકીને ત્યાં મળી જશે. પરંતુ પોલીસ તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી. તેવું પણ જણાવામાં આવ્યું છે.