ભારતે વન-ડે વર્લ્ડ કપ-2023માં સતત બીજી જીત નોંધાવી છે. ટીમે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં 6 વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાના 4 પોઇન્ટ્સ થઈ ગયા છે અને પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.
અરુણ જેટલી સ્ટેડિયમમાં બુધવારે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 8 વિકેટે 272 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ માત્ર 35 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 63 બોલમાં સદી ફટકારી હતી. તેણે 131 રનની ઇનિંગ રમી હતી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પહેલી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી.
વિરાટ કોહલીએ 56 બોલમાં 55 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. તેણે 35મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને 8 વિકેટે જીત અપાવી હતી. વિરાટે ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા અને શ્રેયસ અય્યર સાથે 68 રનની ભાગીદારી પણ કરી હતી. શ્રેયસ 25 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.
રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે 63 બોલમાં સદી ફટકારી હતી. તે ODI વર્લ્ડ કપમાં 7 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો. તેણે 44 ઇનિંગ્સમાં 6 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. રોહિતે 2015માં એક સદી અને 2019માં 5 સદી ફટકારી હતી. રોહિતની વન-ડે કારકિર્દીની આ 31મી સદી છે.
વન-ડેમાં સૌથી વધુ સદીઓની બાબતમાં તેણે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે, જેના નામે 30 સદી છે. સૌથી વધુ સદી ફટકારવાના મામલે રોહિત હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. સચિન તેંડુલકર પ્રથમ સ્થાને (49 સદી) અને વિરાટ કોહલી બીજા સ્થાને (47 સદી) છે.