વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેની મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં રોમાંચક મેચમાં યુપી વોરિયર્સનો શાનદાર વિજય થયો હતો. યુપીએ ગુજરાતને 3 વિકેટે હરાવ્યું હતું. ગ્રેસ હેરિસે તોફાની 26 બોલમાં 59* રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. કિરણ નવગિરેએ 53 રન બનાવ્યા હતા. જ્યારે સોફી એક્લેસ્ટને 12 બોલમાં 22* રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ તરફથી સૌથી વધુ કીમ ગાર્થે 5 વિકેટ ઝડપી હતી, જ્યારે માનસી જોશી અને એનાબેલ સધરલેન્ડે 1-1 વિકેટ લીધી હતી.
26 બોલમાં 70 રન બનાવી લીધા
યુપી વોરિયર્સે 15.4 ઓવરમાં 105 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને 65 રનની જરૂર હતી અને જીત દૂર દેખાતી હતી. પરંતુ, ટીમની બેટર ગ્રેસ હેરિસ ક્રિઝ પર હતી. તેની સાથે સોફી એક્લેસ્ટન પણ જોડાઈ હતી. બન્નેએ 19.5 ઓવરની બેટિંગ કરી અને 26 બોલમાં 70 રન ઉમેરી યુપીને જીત અપાવી હતી.
બન્નેએ 18મી ઓવરથી આક્રમક બેટિંગ કરી હતી. કીમ ગાર્થે ઇનિંગની આ ઓવર નાંખી, તેમાં 20 રન બનાવ્યા હતા. બન્નેએ 19મી ઓવરમાં એશ્લે ગાર્ડનરની બોલિંગમાં 14 રન બનાવ્યા હતા. છેલ્લા 6 બોલમાં 19 રનની જરૂર હતી. હેરિસે પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. પછીનો બોલ વાઈડ હતો, બીજા બોલ પર 2 અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. પછી ફરી બોલ વાઈડ ગયો અને ચોથા પર ગ્રેસ હેરિસે ચોગ્ગો ફટકાર્યો હતો. યુપીને માટે મેચ જીતવા માટે 2 બોલમાં એક રનની જરૂર હતી અને હેરિસે સ્ક્વેર લેગ પર છગ્ગો ફટકારીને ટીમને રોમાંચક મેચમાં જીત અપાવી હતી.