રાજકોટ જિલ્લાના ગોંડલમાં તસ્કરોએ રાજાશાહી વખતના જૂના મંદિરમાંથી સોનાના આભૂષણો ચોરી ગયાની ઘટના બાદ શહેરમાં કોઠારિયા રોડ પર મંદિરમાંથી આઠ દાનપેટીઓ તોડી તસ્કરો રોકડની ચોરી કરી જતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બનાવને પગલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં સીસીટીવીમાં કેદ તસ્કર એક કલાકમાં ચોરી કરી નીકળી ગયાનું તેમજ એક માસ પહેલાં પણ મંદિરમાંથી દાનપેટી ઉઠાવી જનાર શખ્સે ચોરી કર્યાની શંકાના આધારે તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા રોડ પર મેઘાણીનગરમાં રહેતા અને ગોવિંદનગરમાં શાંતેશ્વર મહાદેવ મંદિરમાં સેવા-પૂજા કરતા લાભુભારથી દયાળભારથી ગોસ્વામીએ ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, તા.2ના રોજ રાત્રીના મંદિરમાં આરતી કર્યા બાદ મુખ્ય દરવાજાને તાળાં મારી ઘરે ગયા હતા અને સવારે પાંચ વાગ્યે મંદિરે આવી દરવાજો ખોલી લાઇટ ચાલુ કરતાં મંદિરમાં આવેલા અન્ય 8 મંદિરની 8 દાનપેટી તૂટેલી હાલતમાં અને તેમાં રૂપિયા પણ જોવા મળ્યા નહીં હોય જેથી મંદિરમાં હાજર રહેતા સેવા સમિતિના સભ્ય પ્રવીણસિંહ ગોહિલ પણ સાથે હોય અને તેને પણ ચોરી અંગે વાત કરી અને દરેક દાનપેટીઓમાં અંદાજે 2500 રૂપિયા જેટલી રોકડ હોય જેથી કુલ રૂ.20 હજાર રોકડની ચોરી થતા તેને સેવા સમિતિના અન્ય સભ્યને વાત કરતાં પોલીસને જાણ કરી ફરિયાદ કરી હતી.