લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે અમદાવાદ આવી રહ્યા છે, ગાંધીને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો મળવાના છે, પીડિતોને રાહુલ ગાંધી સુધી જતાં અટકાવવા માટે ભાજપના કેટલાક આગેવાનો અને પોલીસે ખેલ શરૂ કર્યા હતા, પોલીસે નિવેદનના બહાના કાઢ્યા હતા તો ભાજપે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવી ન્યાય અપાવવાની વાત કરી પીડિત પરિવારો પર દબાણ લાવવાના પ્રયાસ કર્યા હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે સવારે અમદાવાદ આવવાના છે, ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષમાં બનેલા હરણીકાંડ, સુરતના તક્ષશીલા કાંડ, મોરબીનો ઝુલતો પુલ દુર્ઘટના કાંડ અને રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ભોગ બનેલાઓના પરિવારજનોને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરાવવા પ્રદેશ કોંગ્રેસે આયોજન કર્યું છે, જ્યા દુર્ઘટના બની છે તે શહેરના કોંગ્રેસના આગેવાનો શનિવારે તે દુર્ઘટનાના પીડિતોના પરિવારજનોને અમદાવાદ લઇ જશે.
રાજકોટ અગ્નિકાંડના પીડિતોના પરિવારજનોને અમદાવાદ લઇ જવાની જવાબદારી પાલ આંબલિયા અને રોહિત રાજપૂત સહિતના આગેવાનોઅે સંભાળી હતી અને શહેરના 8 પીડિત પરિવારનો સંપર્ક કરી તેમને અમદાવાદ લઇ જવાનું નક્કી કર્યું હતું. ઉપરોક્ત કોંગ્રેસી આગેવાનો જે પીડિત પરિવારના ઘરે પહોંચ્યા હતા ત્યાં ત્યાં ભાજપના કેટલાક આગેવાને ફોન કર્યા હતા તો કેટલાક સ્થળે પોલીસ પહોંચી હતી, ભાજપ આગેવાનોએ પીડિત પરિવારોને કહ્યું હતું કે, કોંગ્રેસ રાજકારણ રમી રહી છે.