ચીન ઘટતા જન્મદર સામે ઝઝૂમી રહ્યું છે. સરકાર યુવાઓને અનેક પ્રકારના વાયદા કરીને લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમ છતાં યુવાઓમાં લગ્નને લઇને ખાસ ઉત્સુકતા નથી. આ જ કારણ છે કે 1970ના દાયકાના ઉત્તરાર્ધ બાદથી ચીનમાં ઓછાં લગ્ન નોંધાઇ રહ્યાં છે. જે ચીનની વસતીના બગડતા સંતુલનને દર્શાવે છે. તેમાં 60થી વધુ વર્ષમાં પ્રથમવાર વસતીમાં ઘટાડો સામેલ છે.
જોકે આ આંકડા કોવિડ પ્રતિબંધ વખતના છે જ્યારે અનેક શહેરોમાં લાૅકડાઉન હતું. ચીની મીડિયા રિપોર્ટ્સમાં નાગરિક મામલાના મંત્રાલયના આંકડા અનુસાર લગ્નની નોંધણીમાં સતત 9મા વર્ષે ઘટાડો થયો છે. ગત વર્ષે નવપરિણીતની સંખ્યા 68.3 લાખ હતી તે 2013ની તુલનામાં અડધી છે. 2013માં રેકોર્ડ 1.34 કરોડ યુવાઓ લગ્નના તાંતણે બંધાયા હતા. 2021માં 76.3 લાખ લગ્ન થયાં હતાં. એટલે કે 2022માં 10.5% લગ્ન ઘટ્યાં હતાં.
1986 બાદ તે સૌથી ઓછી સંખ્યા છે. ચીની અધિકારીઓ ઘટતાં લગ્ન અને જન્મદરમાં ઘટાડો વચ્ચે સીધો સંબંધ હોવાનો મત આપે છે, જ્યાં સામાજિક માપદંડો અને સરકારી નિયમોને કારણે અપરિણીત યુગલો માટે માતાપિતા બનવું વધુ મુશ્કેલ છે. નિષ્ણાત હે યાફૂ અનુસાર લગ્ન કરનારની વધતી સરેરાશ ઉંમરની સાથે લગ્ન કરવાનો વધતો ખર્ચ, યુવાઓની વસતીમાં ઘટાડો, પુત્રને પ્રાથમિકતાને કારણે લગ્નો ઘટ્યાં છે.