દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ફેસ્ટિવલમાં યાત્રિકોના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસ.ટી નિગમે 100 એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું છે. સાથે સાથે એસ.ટી નિગમે મોટી સંખ્યામાં કે ગ્રૂપમાં મુસાફરી કરતા યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે જેમાં કોઇપણ સ્થળે જવા માટે 52 કે તેથી વધુ મુસાફરોને એકસાથે બસની જરૂર હોય તો તેમના ઉપાડવાના સ્થળથી પહોંચવાના સ્થળ સુધી એડવાન્સ ગ્રૂપ બુકિંગની સુવિધા આપવામાં આવશે. એટલે કે 52 મુસાફર હશે તો ST બસ તમારા ઘર, સોસાયટી કે વિસ્તારમાંથી ઉપડશે.
ગત વર્ષે દિવાળીના તહેવારોમાં 80 જેટલી વધારાની બસ દોડાવવામાં આવી હતી. ત્યારે હવે આ વર્ષે તેમાં વધારો થયો છે અને એક્સ્ટ્રા 100 બસ દોડાવવામાં આવશે. 25 ઓક્ટોબરથી લગભગ એક મહિના સુધી આ બસનો લાભ મુસાફરોને મળી રહેશે. રાજકોટ એસટી વિભાગ દ્વારા દરરોજ 520 જેટલા શેડ્યૂલ એટલે કે બસ દોડાવવામાં આવે છે. દિવાળી દરમિયાન આ શેડ્યૂલમાં 100 બસનો વધારો કરવામાં આવશે. દિવાળીમાં તહેવાર મનાવવા પોતાના વતન જતા કારીગરો, રત્નકલાકારો અને મજૂર-આદિવાસી વર્ગને એક્સ્ટ્રા બસનો લાભ મળશે. દિવાળીને હવે ઝાઝા દિવસો બાકી નથી ત્યારે દિવાળી વેકેશનમાં વતનમાં જતાં મજૂર વર્ગો માટે એસટી નિગમ દ્વારા ગ્રૂપ બુકિંગ ઉપર ઘર સુધી લેવા-આવવા અને સ્ટેશન કે ડેપોથી દૂર છેવાડાનાં ગામ સુધી મૂકવા-આવવાની સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે.