આ વર્ષે 53 વર્ષ બાદ પુરીની રથયાત્રા બે દિવસની છે. યાત્રાના બીજા દિવસે 8 જુલાઇને સોમવારે મંગળા આરતી અને ભોગ પછી સવારે 9 કલાકે યાત્રા ફરી શરૂ થશે. ગઈકાલે (રવિવાર) યાત્રાનો પહેલો દિવસ હતો. સાંજે 5 વાગ્યા બાદ શરૂ થયેલી રથયાત્રાને સૂર્યાસ્ત સાથે જ રોકી દેવામાં આવી હતી.
જગન્નાથ મંદિરના પંચાંગ ડૉ. જ્યોતિ પ્રસાદના જણાવ્યા અનુસાર આ વર્ષે જેઠ માસના સુદ વદમાં તિથિ ઘટી છે. આ કારણોસર આ યાત્રા બે દિવસની છે. અગાઉ 1971માં પણ આવું જ કંઈક બન્યું હતું. સૂર્યાસ્ત પછી રથ ચલાવવામાં આવતા નથી, તેથી રવિવારે સાંજે રથને રસ્તામાં અટકાવી દેવામાં આવ્યા હતા. આજે યાત્રા ગુંડીચા મંદિરે પહોંચશે.
રથયાત્રાના પ્રથમ દિવસે જગન્નાથના રથને સૂર્યાસ્ત પહેલાં જ ખેંચવામાં આવ્યો હતો અને માત્ર 5 મીટર આગળ વધ્યા પછી અટકી ગયો હતો, કારણ કે સૂર્યાસ્ત પછી રથ આગળ વધતા નથી.
આ યાત્રામાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે. ભીડમાં ગભરાટના કારણે એક ભક્તનું મોત થયું હતું અને નાસભાગમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ઘાયલોને સારવાર માટે પુરીની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતકની ઓળખ થઈ શકી નથી. સીએમ મોહન ચરણ માઝીએ મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.