ભારતના વધુ એક મોસ્ટ વૉન્ટેડની પાકિસ્તાનમાં હત્યા કરાઈ છે. લશ્કરના આતંકવાદી ભોલા ખાન ઉર્ફ હબીબુલ્લાને રવિવારે ખૈબર પખ્તુનખ્વાના ટાંક વિસ્તારમાં અજાણ્યા બંદુકધારીઅોએ રહેંસી નાખ્યો હતો. ભોલા લશ્કર માટે ભરતી એજન્ટ તરીકે કામ કરતો હતો અને કાશ્મીરના આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટેન્સ ફ્રન્ટને હથિયારો પૂરાં પાડતો હતો. ભોલા પાકિસ્તાનના પૂર્વ સાંસદ દાવર ખાનનો પિતરાઈ ભાઈ હતો. દોઢ વર્ષના સમયગાળામાં ભારતના 23 મોસ્ટ વૉન્ટેડ આરોપીઓ અજાણ્યા હુમલાખોરોના હાથે મોતને ઘાટ ઉતારી દેવાયા છે.
દાઉદ ઇબ્રાહિમ અંગે પણ અટકળો
કરાંચીમાં ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહીમ અંગે સોમવારે આખો દિવસ અટકળો ચાલી હતી. દાઉદને હૉસ્પિટલમાં દાખલ કરવાના અને હાલત કથળેલી હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી હતી. પરંતુ કરાંચીની આગા ખાન હૉસ્પિટલ, સેના અથવા અન્ય કોઈ પણ સરકારી એજન્સીએ દાઉદ ઇબ્રાહિમ વિશે કોઈ પણ માહિતીને સમર્થન આપ્યું નથી. આગા ખાન હૉસ્પિટલમાં દાઉદને દાખલ કરાયાનું ચર્ચાઈ રહ્યું હતું. પાકિસ્તાનમાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના પક્ષ પીટીઆઇની વર્ચ્યુઅલ રેલીને કારણે સરકારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને દાઉદ અંગેની માહિતીઓ છુપાવવા માટે લેવાયો હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.