22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોનાં મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથીયાનું પણ મોત થયું છે. મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષ કળથીયા તેના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા. જ્યાં આતંકી હુમલામાં તેનું મોત નિપજ્યું હોવાની વિગતો સામે આવી છે.
શૈલેષ હિંમતભાઈ કળથીયા મૂળ અમરેલીના દામનગરના ધૂફણીયા ગામના વતની છે. જોકે, સુરતના નાના વરાછાના ચીકુવાડી ખાતે આવેલી હરિકુંજ વિભાગ 2માં 29 નંબરનું મકાન તેમનું છે. પિતા પણ ગામમાં રહેતા હોવાથી હાલ ઘર બંધ હાલતમાં છે. જ્યારે પહેલો માળ ભાળે આપેલો છે. શૈલેષભાઈ ચાર બહેનોમાં એકના એક ભાઈ હતા. માતાના અવસાન બાદ પિતા બે વર્ષથી વતનમાં રહે છે. શૈલેષભાઈ બેંક ઓફ બરોડામાં કામ કરતા હતા. જોકે, છેલ્લા 1 વર્ષથી મુંબઇની બેંક ઓફ બરોડામાં કામ કરી ત્યાં જ પરિવાર સાથે રહેતા હતા. આ અગાઉ 9 વર્ષ તેમણે વડોદરાની બેંક ઓફ બરોડામાં કામ કર્યું હતું અને ત્યાં જ રહેતા હતા.
સુરતમાં રહેતા મૃતક શૈલેષભાઈના પાડોશી બાબુભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે, શૈલેષભાઈના પરિવારમાં તેમના પત્ની, બે બાળકો અને તેમના પિતા છે. તેઓ સુરતના ચીકુવાડીમાં પહેલા રહેતા હતા. તેમનું અહીં ઘર છે. તેમના માતાનું અવસાન બે વર્ષ પહેલાં થયું એટલે તેમના પિતા વતનમાં રહેવા જતા રહ્યા છે. તેઓ કાશ્મીર ફરવા ગયા હતા જ્યાં તેમના પર હુમલો થયો જેમાં તેમનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે.