રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મોત નીપજ્યાની ઘટના બાદ રાજકોટ મનપાના ભ્રષ્ટ અધિકારીઓનો પણ પર્દાફાશ થયો હતો. એમાં મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકત સહિત કુલ ત્રણ ગુના નોંધાયા હતા. એસીબીની તપાસમાં અપ્રમાણસર મિલકત મળી આવતાં ત્રીજો ગુનો નોંધાયો હતો અને ત્રીજા ગુનામાં 6 દિવસના રિમાન્ડ પૂરા થતાં સાગઠિયાને ગઇકાલે (8 જુલાઈ) જેલહવાલે કરવામાં આવ્યો છે, પરંતુ આ 6 દિવસના રિમાન્ડ દરમિયાન કોની સાથે મળીને? અને કોના ઇશારાથી ભ્રષ્ટાચાર કર્યો એ અંગે સાગઠિયાનું ભેદી મૌન તોડવામાં એસીબી નિષ્ફળ સાબિત થઇ છે. હાલ એસીબીએ કરેલી તપાસ સામે પણ કેટલાક સવાલો ઊઠી રહ્યા છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ મનસુખ સાગઠિયાની સંપત્તિની તપાસ એસીબી દ્વારા કરવામાં આવતાં 2012થી 2024 દરમિયાન તેની પાસે આવક કરતાં 410% વધુ એટલે કે 13.23 કરોડની સંપત્તિ મળી આવી હતી. તારીખ 19 જૂનના રોજ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન એસીબીએ ગત 1 જુલાઈને સોમવારે સાંજે જેલમાંથી સાગઠિયાનો કબજો લઇ તેના ભાઈની ઓફિસનું સીલ ખોલી તપાસ કરતાં એમાંથી સોના-ચાંદી, ડાયમંડ જ્વેલરી, વિદેશી ચલણી નોટ, સોનાના બેલ્ટવાળી ઘડિયાળ અને રોકડ સહિતની મતા મળી કુલ 18 કરોડની વધુ મિલકત મળી આવી હતી. એને કબજે લઈ સરકારી તિજોરીમાં જમા કરાવી હતી અને સાગઠિયાને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.