રાજકોટ RTO કચેરી ખાતે વરસાદને કારણે સેન્સર અને કેમેરો બંધ થઈ જતા ફોર વ્હીલરનું લાયસન્સ કઢાવવા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા પહોંચેલા 200 લોકોને હેરાનગતિ ભોગવવી પડી હતી. જેને કારણે આજે સવારે લાયસન્સ કઢાવવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને RTO તંત્ર સામે પોતાનો રોસ ઠાલવ્યો હતો અને ફરિયાદ કરી હતી કે, અમે રાજકોટ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી આવી રહ્યા છીએ અને છેલ્લા ત્રણ-ત્રણ કલાકથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી લાયસન્સ કઢાવવા માટે ટ્રાય આપી શક્યા નથી. RTO અધિકારીને ફરિયાદ કરી હતી.
રાજકોટ RTO કચેરી ખાતે ફરી ફોર વ્હીલરનું લાયસન્સ કઢાવવા માટેનો ટ્રેક બંધ થઈ ગયો છે. આજે રાજકોટ શહેર ઉપરાંત જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના ગ્રામ્ય વિસ્તારના 200 લોકોની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટેની એપોઇન્ટમેન્ટ હોવાથી RTO કચેરી ખાતે પહોંચ્યા હતા. સવારથી ફોર વ્હીલરનું લાયસન્સ કઢાવવા માટે ભીડ જામી હતી પરંતુ, આ સમયે વરસાદને કારણે સેન્સર અને કેમેરા બંધ થઈ ગયા હતા. કલાકો સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ ન થતા લોકોની ધીરજ ખૂટી હતી અને પોતાની સમસ્યાનો વીડિયો વાયરલ કર્યો હતો.