રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા ઘટવા લાગતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. મંગળવારે કોરોનાના 14 નવા કેસ આવ્યા હતા જેની સામે 25 દર્દીને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 129 થઈ છે. આ સાથે કોરોના કેસનો આ વર્ષનો કુલ આંક 360 થયો છે. માર્ચ માસમાં કોરોનાના કેસમાં એકદમથી ઉછાળો આવ્યો હતો જેને કારણે એક જ માસમાં 300 કેસ નોંધાયા હતા.
જોકે એપ્રિલ માસ શરૂ થતાં જ કેસમાં ઘટાડો આવ્યો છે અને સામે ડિસ્ચાર્જની સંખ્યા વધવાને કારણે એક્ટિવ કેસ ઘટી રહ્યા છે. માર્ચ માસમાં કેસ બમણા થવાનો દર એટલે કે ડબલિંગ રેટ 5 જ દિવસ થઈ ગયો હતો પણ એપ્રિલ આવતા જ આ દર 16 દિવસ થયો છે. આ ઉપરાંત પોઝિટિવિટી રેશિયો પણ આરટીપીસીઆરમાં વધારે જોવા મળ્યો હતો પણ હવે 3.75 ટકાની આસપાસ થયો છે. માર્ચના અંત સુધીમાં એક્ટિવ કેસ 170ની આસપાસ હતા જે હવે ઘટીને 129 થઈ છે.