હિન્દ મહાસાગરમાં શનિવારે ભારત આવી રહેલા માલવાહક જહાજ પર ઈરાનના ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકાના રક્ષા વિભાગે આ દાવો કર્યો છે. અમેરિકન રિપોર્ટ્સ અનુસાર, એમ પ્લુટો નામના જહાજ પર શનિવારે સવારે 10 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે જહાજ અમેરિકાના સંપર્કમાં હતું.
સાઉદી અરેબિયાથી ઓઈલ લઈને ભારત આવતું આ જહાજ જાપાનનું હતું અને લાઈબેરિયાના ધ્વજ હેઠળ ઓપરેટ થઈ રહ્યું હતું. જ્યારે જહાજ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તે ભારતીય તટથી 370 કિલોમીટર દૂર હતું. આ તરફ ઈરાને અમેરિકાના આરોપોને નકારી કાઢ્યા છે. ઈરાનના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર અલી બઘેરીએ કહ્યું- હુતી વિદ્રોહીઓ પાસે પોતાનાં હથિયાર છે, તેઓ પોતાના નિર્ણયો લે છે. આમાં અમારી કોઈ ભૂમિકા નથી. હુતી બળવાખોરો લાલ સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં વારંવાર જહાજો પર હુમલો કરે છે.
આ દરમિયાન, ન્યૂઝ એજન્સી ANI અનુસાર, શનિવારે રેડ-સીમાં ગેબોનીઝ ફ્લેગવાળા ઓઇલ ટેન્કર M/V સાઇબાબા પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. વિમાનમાં 25 ભારતીય ક્રૂ મેમ્બર પણ હતા. ભારતીય નૌસેનાએ કહ્યું છે કે દરેક સુરક્ષિત છે.