અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં ડેમોક્રેટિક પાર્ટીમાં રાષ્ટ્રપતિ બાઈડેનની ઉમેદવારીને લઈ રાજકારણ ગરમાયું છે. 27 જૂનની પ્રથમ પ્રેસિડેન્શિયલ ડીબેટમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે નબળા પ્રદર્શન અને ભાષણ દરમિયાન સતત ભૂલોને લીધે રાષ્ટ્રપતિ જો બાઈડેનને ચૂંટણીમાંથી હટી જવા લોકો માગ કરી રહ્યા છે. બીજી તરફ બાઈડેને રેસમાંથી બહાર થવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આ દરમિયાન શુક્રવારે અમેરિકી રાજકારણમાં ત્યારે હડકંપ મચી ગયો હતો જ્યારે એક ટીવી એન્કર અને બાઈડેનની પ્રચાર ટીમે આરોપ લગાવ્યો હતો કે વરિષ્ઠ ડેમોક્રેટિક નેતાઓની એક લાૅબી બાઈડેનને રાષ્ટ્રપતિની રેસમાંથી હટાવવા માટે ષડ્યંત્ર રચી રહ્યા છે.
અમેરિકન ટીવી શો ‘મોર્નિંગ જો’ના હોસ્ટ જો સ્કારબોરોએ દાવો કર્યો છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ગુપ્ત રીતે પડદા પાછળ બાઈડેનને હટાવવા સક્રિય થયા છે. સ્કારબોરોએ દાવો કર્યો હતો કે ઓબામાના મુખ્ય સહયોગીઓ ડીબેટ બાદ સતત બાઈડેનની ટીકા કરી રહ્યા છે. ઓબામાના પૂર્વ સહાયક જોન ફેવરો અને અભિનેતા જ્યોર્જ ક્લુનીએ આક્ષેપ કર્યો હતો કે વયના લીધે બાઈડેન હવે નબળા પડી રહ્યા છે.
પૂર્વ સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું હતું કે અમે રાષ્ટ્રપતિ બાઈડેનને નિર્ણય લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ, કારણ કે અમારી પાસે સમય ઘણો ઓછો છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પૂર્વ અભિયાન સલાહકાર પીટ ગિઆંગ્રેકોએ કહ્યું કે અમને ડેમોક્રેટિક પાર્ટી સાથે કોઈ સમસ્યા નથી, અમને બાઈડેન સાથે સમસ્યા છે.