રાજકોટની આત્મીય યુનિવર્સિટી અને કોલેજના સર્વોદય ટ્રસ્ટમાં રૂ.33.36 કરોડની ઉચાપતની ફરિયાદના અનુસંધાને આરોપી ટી.વી.સ્વામી ઉર્ફે ત્યાગવલ્લભ સ્વામીની ધરપકડ બાબતે લાંબા કાનૂની જંગ બાદ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાઇકોર્ટ દ્વારા ફરી કેસ ચલાવીને રિઝનિંગ સાથે ધરપકડ સામેનો સ્ટે ચાલુ રાખવાનો હુકમ કરાયો છે.
આ કેસની વિગત એવી છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સદગત હરિપ્રસાદ સ્વામીના અંગત મદદનીશ તરીકે રહી ચૂકેલા પવિત્ર હર્ષદરાય જાની (રે.આત્મીય વિદ્યાલય, બાકરોલ, જિલ્લો આણંદ)એ સર્વોદય કેળવણી સમાજના જે તે વખતના સેક્રેટરી અને વહીવટકર્તા સાધુ ત્યાગવલ્લભ સ્વામી, સમીર કૌશિક વૈદ્ય, ધર્મેશ રમેશચંદ્ર જીવાણી, વૈશાખી ધર્મેશ જીવાણી, નિલેશ બટુક મકવાણા વગેરે વિરુદ્ધ એ મતલબની રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી કે, આરોપીઓએ ટ્રસ્ટની શિક્ષકો અને કર્મચારીઓના નામે પગાર ઉધારીને રૂ.33.36 કરોડની ઉચાપત કરી છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યો હતો.