આ મહિનાથી શરૂ થઇ રહેલી તહેવારોની મોસમને લઇને ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે ઑગસ્ટમાં ઑટોમોબાઇલ કંપનીઓના જથ્થાબંધ વેચાણમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. નાની અને હેચબેક કારને બદલે યુટિલિટી વ્હીકલ્સનું વેચાણ વધારે થયું હતું.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ ઑગસ્ટ મહિનામાં સર્વાધિક જથ્થાબંધ વેચાણનો રેકોર્ડ બનાવતા 1,89,082 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. સ્થાનિક માર્કેટમાં કંપનીએ 16.35% વૃદ્ધિ સાથે કુલ 1,56,114 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું.
જ્યારે તાતા મોટર્સની ઇલેક્ટ્રિક કારનું કુલ વેચાણ 54.9% વધીને 6,236 રહ્યું હતું, જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળા દરમિયાન 4,026 હતું. જો કે સ્થાનિક માર્કેટમાં કંપનીના કારનું કુલ વેચાણ ગત વર્ષના ઓગસ્ટથી 3% ઘટીને 45,513 રહ્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કારનું વેચાણ 25% વધી 37,270 રહ્યું હતું.