સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ પ્રત્યે રાજ્ય સરકાર તેમજ તંત્ર ઉદાસીન હોય તેવું વધુ એક વખત સાબિત થયું છે. રેલવેમાં અલગ અલગ ટ્રેન અમદાવાદથી રાજકોટ લંબાવવાની તત્કાલીન રેલવે મંત્રીની 10 મહિના પૂર્વેની જાહેરાતનો હજુ સુધી અમલ નહિ થતાં ફિયાસ્કો થયો છે.
તત્કાલીન રેલવે મંત્રી દર્શના જરદોશે ગત તા.14 સપ્ટેમ્બરના રોજ 19421-22 નંબરની અમદાવાદ-પટના એક્સપ્રેસ ટ્રેન, 22967-68 નંબરની અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન, 19413-14 અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન, 11049-50 નંબરની અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ ટ્રેન, 22137-38 નંબરની નાગપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન અને 12912-18 નંબરની અમદાવાદ-હજરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. રાજકોટથી લાંબા અંતરની વધુ છ ટ્રેન મળવાની જાહેરાતને પગલે સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઇ હતી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દસ મહિનાની અંદર બે વખત તત્કાલીન રેલવે મંત્રી દર્શનાબેન જરદોશને તેમને જે છ ટ્રેન લંબાવવાની જાહેરાત કરી હતી. તે ટ્રેનોને તાત્કાલિક ધોરણે રાજકોટ સુધી લંબાવવાના મુદ્દે રજૂઆત કરી હતી, પરંતુ તેઓએ કોઇ સંતોષકારક પ્રત્યુત્તર આપ્યો ન હોય આગામી દિવસોમાં વધુ એક વખત રેલવે મંત્રીને રાજકોટ સુધી લંબાવવા માટે લીધેલા નિર્ણયનું અમલીકરણ કરાવવા રજૂઆત કરવા જવાના હોવાનું ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ જણાવ્યું છે.