રાજકોટ સહિત રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. આ વચ્ચે મુંબઇમાં વરસાદ પડ્યો ત્યારે બદલાયેલા વાતાવરણની અસર હવાઈ સેવા પર પડી છે. અને તેના કારણે મુંબઇની સાંજની છેલ્લી ફ્લાઈટ રાજકોટ ન પહોંચતા રાજકોટથી મુબઇની ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જેથી બે કલાક સુધી ફ્લાઈટની રાહ જોઇને બેસેલા મુસાફરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો છે. જો કે, હવે આ ફ્લાઈટના મુસાફરોને આવતીકાલે જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું એરપોર્ટ ઓતોરિટીના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
IGO 273/274 દરરોજ સાંજે 7.05 વાગ્યે રાજકોટ પહોંચતી મુંબઈની ફ્લાઇટ 7:40 વાગ્યે રવાના થાય છે. જો કે, આ ફ્લાઇટ આજે ખરાબ હવામાનને કારણે રાજકોટ પહોંચી શકી ન હતી અને 2 કલાક બાદ આ ફ્લાઈટ રદ થઇ હોવાનું જાહેર થતાં મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેના કારણે એરપોર્ટ ઓથોરિટીના તેમજ ઇન્ડિગો એર લાઇન્સના સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. જેનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં મુસાફર કહે છે કે, 7 વાગ્યાથી રાહ જોઈ હેરાન થઈ રહ્યા છીએ અને હવે આ ફ્લાઇટ રદ થયાનું જાહેર થયું. એરલાઇન્સના મેનેજરને બોલાવવા માટેની માગ કરાઈ હતી.