અમરેલીમા મગફળીની ટેકાની ખરીદીનો આરંભ કરાવતી વખતે રાજકોટના સાંસદ પુરુષોતમ રૂપાલાએ કરેલી એક ટીખળથી અમરેલી પંથકના રાજકીય વર્તુળમા ખાસ્સી ચર્ચા જાગી છે. તેમણે મગફળીના દાણા મોઢામા નાખીને એવી કોમેન્ટ કરી હતી કે આ બાઇટીંગનો માલ છે.
અમરેલીમા આજે ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી અને સાંસદ પુરૂષોતમ રૂપાલાની ઉપસ્થિતિમા ખેત જણસોની ટેકાની ખરીદી શરૂ કરવામા આવી હતી. તે સમયે રૂપાલાએ મગફળીના દાણા ઉપાડી મોઢામા નાખતી વખતે કોની સામે જોઇને આ બાઇટીંગનો માલ છે તેવી ટીખળ કરી હતી ? તે ચર્ચાએ ભારે જોર પકડયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંઘાણી અને રૂપાલા દારૂબંધીના પ્રખર હિમાયતી છે. એટલુ જ નહી પોતાની ઓફિસમા કોઇને પાન મસાલા પણ ખાવા દેતા નથી. ત્યારે રાજકીય વર્તુળમા સવાલ એ ઉઠયો છે કે રૂપાલાએ કોની સામે નજર નાખીને આ પ્રકારની કોમેન્ટ કરી હતી ?. જો કે આ કોમેન્ટ પણ હળવી ક્ષણોમા કરાઇ હતી અને ત્યારબાદ સૌ કોઇ હસી પડયા હતા.