એ માસૂમે ક્યા ભવમાં એવા તે કેવા પાપ કર્યા હશે કે તેને જન્મની સાથે જ તેના માતા-પિતાએ એવી સજા આપી કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં નવજાત બાળક (પુત્ર)ને પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને ફેંકી દેવાયો હતો, બાળકના બંને હાથ અને પગ ભાંગી ગયા હતા, બાળકને હોસ્પિટલમાં દાખલ કરી પોલીસે નવજાતના નિષ્ઠુર માતા-પિતાની શોધખોળ શરૂ કરી હતી.
મોરબી રોડ પર જૂના જકાતનાકા પાસેના અક્ષરપાર્ક-1માં રહેતા ચિરાગભાઇ ગોહેલ ગુરૂવારે મધરાત્રે પોતાના ઘર નજીક હતા ત્યારે સોસાયટીના કોમન પ્લોટમાંથી બાળકના રડવાનો અવાજ આવતાં ચિરાગભાઇ તેના પાડોશીઓ સાથે કોમન પ્લોટે પહોંચ્યા હતા અને તેમને કાળા રંગની પ્લાસ્ટિકની બેગ દેખાઇ હતી અને તેમાં નવજાત બાળક હતું. ચિરાગભાઇ અને તેના સાથી લોકોએ પ્લાસ્ટિકની બેગમાંથી બાળકને બહાર કાઢ્યું હતું, બાળકની નાળ કાપેલી નહોતી, બાળકના હાથ-પગમાં ઇજાના નિશાન દેખાતા હતા, આ અંગે જાણ કરાતાં 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી, ઇએમટી ભાવેશભાઇ વાઢેરે અમદાવાદ તજજ્ઞો સાથે ટેલિફોનિક વાતચીત કરી બાળકને ત્વરિત સારવાર આપી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું હતું. બનાવની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ પણ દોડી ગઇ હતી.