ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS બ્રહ્મપુત્રામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નેવીના જણાવ્યા અનુસાર, આ યુદ્ધ જહાજને મુંબઈના નેવી ડોકયાર્ડમાં મેઇન્ટેનન્સ માટે રાખવામાં આવ્યું હતું. તે દરમિયાન આ અકસ્માત થયો હતો.
આગ ખૂબ જ ગંભીર હતી, જેના કારણે ડોકયાર્ડ બાજુના જહાજના ભાગને ખરાબ રીતે નુકસાન થયું છે અને જહાજ એક તરફ નમી ગયું છે. અકસ્માતમાં એક સેલર ગુમ થયો છે.
ન્યૂઝ એજન્સી ANIએ નેવીના હવાલાથી જણાવ્યું છે કે મલ્ટી રોલ ફ્રિગેટ બ્રહ્મપુત્રામાં 21 જુલાઈની સાંજે મેન્ટન્સ દરમિયાન આગ લાગી હતી. ડોકયાર્ડમાં તૈનાત ફાયર ફાઇટર્સની મદદથી જહાજના ક્રૂએ 22 જુલાઈની સવાર સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
નૌકાદળે યુદ્ધ જહાજમાં આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે. હાલ આગ લાગવાનું અન્ય કોઈ જોખમ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.