વિશ્વસ્તરનો મનોરંજન થીમ પાર્ક ઈમેજિકા હવે અમદાવાદમાં આવી રહ્યો છે. મુંબઈ-પુણે હાઈવે પર ખોપોલીમાં બનેલા થીમ પાર્ક બાદ આ ઈમેજિકાનો દેશમાં બીજો મોટો થીમ પાર્ક હશે. સાબરમતી નદી પર રિવરફ્રન્ટમાં અટલ બ્રિજના પૂર્વ છેડે 45 હજાર સ્ક્વેર મીટર (4.56 હેક્ટર)માં આ પાર્ક તૈયાર થવા જઈ રહ્યો છે. આ માટે પુણેના ઈમેજિકા વર્લ્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRFDCL)ની વચ્ચે એગ્રીમેન્ટ થઈ ચૂક્યું છે.
હાલ આ પ્રોજેક્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)ની મંજૂરી હેઠળ છે. તેની ગ્રીન સિગ્નલ મળતાં જ 3થી 4 મહિનામાં કામ શરૂ થઈ જશે. બે તબક્કામાં તૈયાર થનારા ગુજરાતના પહેલા અને દેશના બીજા સૌથી મોટા થીમ પાર્કનો પહેલો તબક્કો 8થી 10 મહિનામાં પૂરું થઈ જશે. ઈમેજિકા ગ્રુપનો આ પ્રોજેક્ટ 300 કરોડનો હશે. ઈમેજિકાને થીમ પાર્ક માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને 30 વર્ષની લીઝ પર જમીન ફાળવી છે. આ જમીનનું વાર્ષિક ભાડું 45.60 લાખ હશે. અને દર વર્ષે 10%નો વધારો કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ભાડા ઉપરાંત ઈમેજિકા વર્લ્ડ કમાણીમાંથી દર વર્ષે 12.25%નો હિસ્સો પણ આપશે.