કલ્પના કરો કે તમે દુનિયાના સૌથી સુંદર દરિયાઓમાંથી એકની વચ્ચે એક લક્ઝરી સુપરયાટ પર છો. તમારી આસપાસ બ્લૂ પાણી, સુંદર આકાશ અને દુનિયાના સૌથી ધનવાન તેમજ નામી લોકો છે. અને તમે? તેમના માટે સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર કરનાર સુપરયાટ શેફ છો. આ વાત સુપરયાટ શેફ મૈરીલુ કોસ્ટાની છે. બ્રિટનની મૈરીલુ કહે છે કે સુપરયાટ શેફ ન માત્ર લક્ઝરી જીવન જીવે છે પણ તેના માટે દરેક દિવસ એક નવા રોમાંચથી ભરેલો હોય છે.
મૈરીલુએ પહેલીવાર જ્યારે એક સુપરયાટ પર પગ મૂક્યો ત્યારે તેણે અનુભવ્યું કે આ માત્ર એક નોકરી નથી, અહીંની એક અલગ જ દુનિયા છે. કરોડોની સેલેરી, પસંદગીનું ભોજન, સુપરસ્ટાર્સને મળવાની તક અને લાખોની ટિપ મેળવવી સુપરયાટ શેફના જીવનની વિશેષતા છે. મૈરીલુ કહે છે કે તેની વાર્ષિક સેલેરી એક કરોડ રૂપિયાથી પણ વધુ છે. ત્યારે તેને ટિપમાં લાખો રૂપિયા મળી રહે છે. હાલમાં જ એક ધનવાન વ્યક્તિએ તેને ટિપમાં 6 લાખ રૂપિયાથી વધુ આપ્યા. તે કહે છે કે અહીં ખાવું-પીવું મફત છે, જેના કારણે બધા જ પૈસા બચી જાય છે. તે અહીં એક મહિનામાં જેટલી કમાણી કરે છે તેને બ્રિટનમાં એક સારી નોકરીમાં કમાવામાં 4 મહિના લાગે છે.
મૈરીલુનું કહેવું છે કે સુપરયાટ પર શેફ તરીકે કામ કરવું એક અદ્ભુત અનુભવ છે, પણ આ પડકારો અને રોમાંચથી ભરેલું છે. દરેક દિવસ 17 કલાક કામ કરવાનું અને મહેમાનો માટે શ્રેષ્ઠ ભોજન તૈયાર કરવું ખૂબ જ પડકારજનક હોય છે. તેની સવાર 6 વાગ્યાથી શરૂ થાય છે. ત્યારબાદ નાસ્તા માટે પ્લેટર્સ તૈયાર કરવા, મહેમાનોના ઓર્ડર લેવા અને ક્રૂ માટે બપોરનું જમવાનું તૈયાર કરવું ઘણું પડકારજનક હોય છે. કેટલાક મહેમાન કાર્બ્સ નથી ખાતા, કેટલાક ગ્લૂટેન-ફ્રી ખોરાક લે છે અને કેટલાક વીગન હોય છે. મહેમાનની માંગણીઓ પૂરી કરવી અને હાઈ ક્વોલિટીવાળા ખોરાકનો સ્ટોક રાખવો મોટો પડકાર છે. પણ, આ બધું કરવું ખૂબ રોમાંચક છે.