મહિલા T20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 58 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ભારતને 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 19 ઓવરમાં 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડની ટીમે ટૉસ જીતીને 20 ઓવરમાં 4 વિકેટે 160 રન બનાવ્યા હતા. સુઝી બેટ્સ અને જ્યોર્જિયા પ્લિમરે ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી થઈ હતી. સોફી ડિવાઈન 57 અને મેડી ગ્રીન પાંચ રન બનાવીને અણનમ રહી હતી. ભારત તરફથી રેણુકાએ 2, અરુંધતી અને આશા શોભનાએ 1-1 વિકેટ લીધી હતી.