રાજકોટ સહિત દેશભરને હચમચાવી મૂકનાર ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટનામાં 27-27 નિર્દોષ વ્યક્તિઓ ભૂંજાઇ ગયાની ઘટનાના પડઘા હજુપણ ગાજી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાનું ફાયર વિભાગ આવી ઘટના પરથી જાગીને ઘડો લેવાના બદલે જવાબદારીથી કેવી રીતે હાથ ખંખેરવા તેના આયોજનમાં જ સતત મસ્ત રહેતું હોવાના કિસ્સા એક પછી એક પ્રકાશમાં આવી રહ્યા છે.
ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટનામાં ફાયર વિભાગની ગંભીર બેદરકારી ખૂલી હતી તેવી જ બેદરકારી ફરીથી બહાર આવી છે. જેમાં મહાનગરપાલિકાની ફાયર શાખા પાસે સરિતા વિહારમાં ગેમ ઝોન માટે ફાયર એનઓસી લેવા એક અરજદાર આવ્યા હતા. આ અરજદાર પાસે તેમના ગેમ ઝોનના મંજૂર થયેલા પ્લાન અને બાંધકામ પરવાનગી પણ ન હતી. આથી ફાયર વિભાગે આ ગેમ ઝોનના ગેરકાયદે બાંધકામ બાબતે સંબંધિત વિભાગને જાણ કરવાના બદલે અરજદારને ફાયર એનઓસી નહીં મળે તેમ કહી વળાવી દઇ ગેરકાયદે બાંધકામને ઇમ્પેક્ટમાં કાયદેસર કરવા મોકળું મેદાન પૂરું પાડ્યું હતું.
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગેમ ઝોનમાં ફાયર એનઓસી માટે દસ્તાવેજ, મંજૂર થયેલ પ્લાન, સ્ટ્રક્ચર એન્જિનિયરનો રિપોર્ટ, બાંધકામ પરવાનગી, ફાયર સેફ્ટીના સાધનોની ખરીદીના બિલ તથા 3 વર્ષનું સોગંદનામું રજૂ કરવાનું હોય છે.