આજે (29 જુલાઈ) અમદાવાદમાં સવારથી કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે. વહેલી સવારથી મેઘરાજા આખા શહેરમાં મહેરબાન થયા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે, શિવરંજની, ગોતા, રાણીપ, પ્રહલાદનગર, નહેરૂનગર, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે પૂર્વ અમદાવાદના નરોડા, બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
વરસાદ વરસી રહ્યો હોવાથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આથી લોકોને બફારામાંથી રાહત મળી છે. વિઝિટિબિલિટીમાં ઘટાડો થતા વાહનચાલકોએ ફરજિયાત પોતાના વાહનોની લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓને વરસાદથી મુશ્કેલી પડી હતી. રેન કોટ પહેરાવીને વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલે મુકવા ગયા હતા.