અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગની રિપોર્ટને લઈને સોમવારે સંસદના બંને ગૃહોમાં હોબાળો થયો હતો. વિપક્ષ આ મુદ્દે ચર્ચાની માંગ પર અડગ છે. કોંગ્રેસે અદાણી કેસની જેપીસી અથવા સુપ્રીમ કોર્ટની સમિતિ દ્વારા તપાસની માંગણી સાથે દેશભરમાં એલઆઈસી અને એસબીઆઈની કચેરીઓ બહાર વિરોધ દેખાવ કર્યું હતું. દરમિયાન સોમવારે અદાણી જૂથે પ્લેજ્ડ શેર રિલિઝ કરવા માટે 1.1 અબજ ડોલરની લોન પ્રી-પે કરવાની જાહેરાત કરી હતી. સંસદમાં હંગામા પછી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
અદાણીના શેર વધુ તૂટ્યા
અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હિંડનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ બહાર આવ્યો ત્યારથી અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરમાં લગભગ 55%નો ઘટાડો થયો છે. સોમવારે સવારે કંપનીના શેરમાં 5%નો ઘટાડો થયો હતો. જોકે, પાછળથી તેમાં રિકવરી જોવા મળી હતી અને માત્ર 2% ઘટીને રૂ. 1,554 પર બંધ થયો હતો. બીજી તરફ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે માર્જિન લોન પર કોલેટરલ તરીકે અદાણી ગ્રૂપના બોન્ડ લેવાનું બંધ કર્યું છે. આ પહેલા સિટીગ્રુપ અને ક્રેડિટ સુઈસ બેંકે પણ આવું જ કર્યું હતું.