લેઉવા પટેલ સમાજના આગેવાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આજે(26 જાન્યુઆરી)એ વધુ એકવાર પોતાના વિરોધીઓ પણ નિશાન તાક્યું હતું. નામ લીધા વગર જ વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સમાજમાં બે પાંચ લોકોની ટીમ છે તે સમાજમાં જ્યાં સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહી છે. જે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જામ કંડોરણમાં યોજાયેલા લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓના સમૂહલગ્ન પ્રસંગે જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને આડેહાથ લેતા કહ્યું હતું કે, સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ છે. સમાજનું સારુ કામ થતું હોય ત્યાં હવાનમા હાડકા નાખવાની કામગીરી આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ લખે છે. સ્ક્રીન પર લેઉવા પટેલ સમાજને કેદ કરવાનું કામ ટોળકી કરી રહી છે.