જસદણ પંથકમા કૂવો ગાળવાના કામના ભાગીદારની સગીર પુત્રીનું લગ્નની લાલચ આપી અપરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચારવાના ત્રણ વર્ષ પહેલાંના કેસમાં પોક્સો કોર્ટે રાજસ્થાની આરોપીને આજીવન કેદની સજા અને મદદગારી કરનારા આરોપીની માતાને વૃદ્ધાવસ્થાને કારણે શંકાનો લાભ આપી મુક્ત કરવા હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે જસદણ પંથકમાં વર્ષ 2020માં કૂવો ગાળવા આવેલા રાજસ્થાની નરેન્દ્ર સલાભાઇ મેરાત નામનો શખ્સ કામના ભાગીદાર સાથે સંબંધ બંધાતા ઘરે આવતો જતો થયો હતો દરમિયાન ભાગીદારની 17 વર્ષની સગીર પુત્રીને નરેન્દ્ર લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી વાડીની બાજુમાં આવેલ ઝૂંપડામાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં સગીરાનું અપહરણ કરી વીંછિયા પંથકના એક ગામમાં અને ત્યાંથી ભોગ બનનારને પોતાના વતન રાજસ્થાન લઈ જઈ સગીરાને આશરે એક માસ સુધી ગોંધી રાખી અનેક વખત શરીરસંબંધ બાંધ્યો હતો.
આ અંગે ભોગ બનનારના પિતાએ સગીરા ગુમ થયાની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે જસદણ પોલીસે રાજસ્થાનથી ભોગ બનનાર સગીરા અને તેનું અપહરણ કરી લઈ જનાર નરેન્દ્ર સલાભાઇ મેરાતની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ સગીરાએ આપવીતી વર્ણવતા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 363,366, 376, 114 અને પોક્સો એક્ટની કલમ 6 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીને મદદગારી કરનાર તેની માતા બદમીબેન સલાભાઇ મેરાતની પણ ધરપકડ કરવામાં આવી હતી.