વડોદરા શહેરની યુવતીને લવ જેહાદમાં ફસાવી તેને દુબઈમાં 22 લાખ રૂપિયામાં વેચી મારવાનો કારસો કરાયો હતો. ભરૂચના વાહિદે પોતાની ઓફિસમાં નોકરી કરતી યુવતીને ફસાવી માર મારી અને ધમકાવીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીએ જણાવ્યું હતું કે, વાહિદ મને દુબઈ લઈ વેચી મારવાનો હતો ત્યારે પોલીસે આરોપીને પકડી પાડી તેને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
ભાયલી રોડ ખાતે રહેતી 23 વર્ષીય યુવતી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મેં વર્ષ 2023માં સ્વાસ્તિક ડિજિટલ ઈન્વેસ્ટમેન્ટ કંપની ઓફિસ સિલ્વર લાઇન કોમ્પલેક્ષ સયાજીગંજ ખાતે નોકરીમાં જોડાઈ હતી. કંપનીનો માલિક ભરૂચ જંબુસરના ડાભા ગામનો વાહિદ બશીર ભટ્ટી(ઉ.વ.25) હતો. વાહિદ જુલાઈ 2023માં મને સયાજીગંજ રેલ્વે સ્ટેશન ઈન ગેટ ખાતે બર્ગરકિંગમાં નાસ્તો કરવા લઈ ગયો હતો. વાતચીતમાં વાહિદે મારા ફોટો પાડી લીધા હતા. જેથી, મેં તેને મારા ફોટો કેમ લીધા છે? તેમ કહેતા તે કહેવા લાગ્યો હતો કે, તુ મને બહું ગમે છે. એટલે ફોટો પાડયા છે.
ઓગસ્ટ 2023માં હું ઓફિસ આવી ત્યારે ઓફિસે કોઈ નહોતું. તે દરમિયાન વાહિદે મને તેની કેબીનમાં બોલાવી જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું. તેણે કહ્યું હતું કે, કોઈને આ બાબતે જાણ કરીશ તો તારો વીડિયો વાઈરલ કરી દઈશ. તને બદનામ કરીશ. જેથી હું ડરી ગઈ હતી. નવેમ્બર 2023માં વાહિદ મને ધમકાવી કુબેર ભવન ખાતે લઈ ગયો હતો અને ત્યાં મારા ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લગ્નની નોંધણી કરાવી હતી. હું તેને લગ્ન માટે ના પાડી દીધી હતી. ત્યાં તેણે મને ફરી ફોટો- વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને તેના કહેવાથી મેં લગ્નના ફોર્મ પર સહી કરી આપી હતી. લગ્ન કર્યા બાદ વાહિદના ઈરાદા સારા ન હોવાનું જણાતા મેં મારા માતા-પિતાને આ અંગે જાણ કરી દીધી હતી અને લગ્ન નોંધણી કેન્સલ કરાવી દીધું હતું.