સુરત જિલ્લાના માંડવી તાલુકાની એક આશ્રમ શાળાના શિક્ષક દ્વારા ચાર બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાની હકીકતો સામે આવી છે. છેલ્લા પાંચ માસથી લંપટ શારીરિક છેડછાડ કરતો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવ્યા બાદ એક બાળકીના નાનાએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ આપી છે. હાલ માંડવી પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
માંડવી તાલુકાનાં અંતરિયાળ ગામડામાં આવેલી એક આશ્રમ શાળામાં સુરત તાપી જિલ્લાના આદિવાસી બાળકો અભ્યાસ કરે છે. જેમાં શાળાના અંગ્રેજી વિષય શિક્ષક તરીકે હાર્દિક સુધીરભાઈ પંડ્યા (રહે મહુવા, જિ. ભાવનગર) ફરજ બજાવે છે. હાલ તેઓ આશ્રમ શાળામાં જ રહે છે. હાર્દિક પંડ્યા પર ધોરણ પાંચમાં અભ્યાસ કરતી બાળકી સહિત કુલ ચાર બાળકીઓ સાથે શારીરિક છેડછાડ કરી હોવાના આરોપ લાગ્યા છે. જે પૈકી એક બાળકીના નાનાએ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે, હાર્દિક ગત જૂન માસમાં તેની દીકરીની દીકરીને તેના રૂમમાં લઈ જઈને તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. છાતી પર અને હાથ પગ પર પોતાનો હાથ ફેરવ્યો હતો.
જે અંગે બાળકીએ મોબાઇલ પર ફોન કરી તેના દાદા દાદીને જાણ કરી હતી. ત્યારબાદ તેઓ તેને લેવા માટે આશ્રમ શાળા પહોંચ્યા હતા. જ્યાં શાળાના આચાર્ય સાથે વાતચીત કરતાં અંગ્રેજી વિષય શિક્ષક હાર્દિક સુધીરભાઈ પંડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર હકીકત અંગે આચાર્યને જાણ થતાં તેમણે અન્ય બાળકીઓને બોલાવી પૂછતાછ કરતાં અન્ય ત્રણ બાળકીઓ સાથે પણ હાર્દિક પંડ્યાએ છેડછાડ કરી હોવાની હકીકત સામે આવી હતી.