આવકવેરા વિભાગ જૂની ટેક્સચોરી પકડવા માટે ટેક્સ અને રિટર્નની ચકાસણી શરૂ કરી છે. ચકાસણી દરમિયાન જો બન્નેમાં તફાવત જોવા મળશે તો આવકવેરા વિભાગ 148 હેઠળ નોટિસ પાઠવીને ખુલાસો પૂછશે. ટેક્સચોરી પકડવા માટે પાંચ વર્ષ જૂના હિસાબ- કિતાબ ખોલવામાં આવશે. રાજકોટ ડિવિઝનમાં અંદાજિત 10 હજારથી વધુ કરદાતાઓને આ પ્રકારની નોટિસ મળે તેવી સંભાવના આવકવેરા વિભાગે વ્યક્ત કરી છે.
આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ જેને નોટિસ મળશે તેને નક્કી કરેલી સમય મર્યાદામાં જવાબ આપવાનો રહેશે. જ્યાં પણ ટેક્સચોરી માલૂમ પડશે ત્યાં ટેક્સ અને પેનલ્ટી બન્નેની વસૂલાત કરવામાં આવશે. અત્યાર સુધી 10 વર્ષ જૂના કેસ રિ-ઓપન થતા હતા, પરંતુ નવી કાયદાની જોગવાઈ પ્રમાણે પાંચ વર્ષની સમય મર્યાદાના કેસ ખોલવામાં આવશે. એક બાજુ કરદાતાઓએ પણ ખુલાસો આપવો પડશે તો બીજી બાજુ અધિકારીઓ પર કામનું ભારણ વધી જાશે. હાલ સમગ્ર કામગીરી ઓનલાઈન થાય છે. ત્યારે આ નોટિસ પણ ઓનલાઈન આપવાની રહેશે.જૂની ટેક્સચોરી પકડવા માટે આવકવેરા વિભાગ 2013થી 2018 સુધીના હિસાબ-કિતાબોની ચકાસણી શરૂ કરશે. અા ઉપરાંત શેરબજારમાં રોકાણ કરનાર, મોંઘા વાહનો અને મિલકતની ખરીદી કરનાર લોકોના આવક-રિટર્ન ચકાસણી કરાશે. તેમાં જો ટેક્સચોરી માલૂમ પડશે તો બેંક એકાઉન્ટ પણ સીલ કરાશે.