ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા માટે ચાલી રહેલી ચૂંટણીમાં તેમણે જીત માટે જરૂરી ડેલિગેટ્સની સંખ્યાનું સમર્થન મેળવ્યું છે.
ડેમોક્રેટિક નેશનલ કમિટીના અધ્યક્ષ જેમી હેરિસને શુક્રવારે કહ્યું કે કમલાને 4 હજાર પ્રતિનિધિઓમાંથી બહુમતી મત મળ્યા છે. 1 ઓગસ્ટથી મતદાન શરૂ થયું છે અને 6 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યાર બાદ જ તેમની જીતની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
જેના પરથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કમલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે. રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડનારી તે અમેરિકાની પ્રથમ અશ્વેત મહિલા અને દક્ષિણ એશિયાની મહિલા હશે.
ચૂંટણીમાં બહુમતી મત મેળવ્યા બાદ કમલાએ કહ્યું કે હું સન્માનની લાગણી અનુભવી રહી છું. હું આવતા અઠવાડિયે સત્તાવાર રીતે નોમિનેશન સ્વીકારીશ.
રાષ્ટ્રપતિ પદ માટે કમલાની ઉમેદવારીની સત્તાવાર જાહેરાત બાદ તેઓ નવેસરથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં પરિણામ જાહેર થશે.