WPL(વિમેન્સ પ્રિમિયર લીગ)નો શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે. વડોદરાના કોટંબી સ્ટેડીયમમાં ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ મેચ રમાશે. તે પહેલા યોજાનારા રંગારંગ કાર્યક્રમમાં બોલિવુડ એક્ટર આયુષ્માન ખુરાના પર્ફોમ કરશે. વડોદરાના કોટંબી સ્ટેડીયમમાં WPLની કુલ 6 મેચ રમાવાની છે. લોકો ફક્ત 114 રૂપિયાની ટિકિટમાં મેચ નિહાળી શકશે. લીગ માટે અલગ અલગ ટીમો વડોદરા પહોંચી ચૂકી છે. ખેલાડીઓએ (ગુરુવારે) ગ્રાઉન્ડ પર પ્રેકટિસ કરી હતી.
વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આવતીકાલે 14 ફેબ્રુઆરીથી વિમન્સ પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કેપિટલ્સ,મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર,ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ સામસામે ટકરાશે. જેમાં શરૂઆતની 6 મેચ વડોદરામાં રમાશે. જેના માટે દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ગુજરાત જાયન્ટ્સ નેટ પ્રેક્ટિસ કરી રહી છે. યુપી વોરિયર્સની ટીમ હજી વડોદરા આવી નથી. તમામ ટીમો વડોદરા શહેરની અલગ-અલગ હોટલોમાં રોકાઈ છે. તમામ હોટલની બહાર હોટલનો સિક્યુરિટી સ્ટાફ તૈનાત છે.