રાજકોટ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે કામકાજના સ્થળે જાતીય સતામણી અંગે જાગૃતિલક્ષી સેમિનાર યોજાયો હતો. આ તકે કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત વિવિધ યોજનાઓ કાર્યરત છે. જ્યારથી દીકરીઓનો જન્મ થાય છે ત્યારથી લઈ દીકરીના લગ્ન અને નિવૃત્ત જીવનમાં પણ સહારો થાય ત્યાં સુધીની યોજનાઓ અમલમાં છે.
અત્યારે વર્કિંગ વુમનનું પ્રમાણ વધુ છે, ત્યારે મહિલાઓની સુરક્ષાને લઈને ઓફિસમાં ઘણા કિસ્સાઓ બનવાની સંભાવના હોવાથી મહિલાઓની સુરક્ષાની જાળવણી જરૂરી છે. દરેક મહિલાઓ સ્વરક્ષણ માટે મહિલાલક્ષી કાયદા વિશે માહિતી મેળવે તે ખૂબ જરૂરી છે.
રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી ડો.જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તમામ સરકારી કચેરીઓમાં મહિલાઓને જાતીય સતામણીથી બચાવવા માટે એક કમિટીની રચના કરવાની જોગવાઈ છે. જેને કામકાજના સ્થળે “મહિલાઓની જાતીય સતામણી’ એક્ટ અંતર્ગત કચેરીની “આંતરિક ફરિયાદ નિવારણ સમિતિ’ કહેવાય છે. જે અંગેના કાયદાઓની વધુ જાણકારી માટે આજે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.