રાજકોટ કોંગ્રેસે મ્યુનિ. કમિશનરને હોર્ડિંગ્સ-કિઓસ્કની સાઈટ ફાળવવા રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સમગ્ર રાજકોટ મહાનગરપાલિકાની હદના મુખ્ય રોડ અને મુખ્ય ચોક વગેરે જેવી જગ્યાએ રાજકોટ મહાનગરપાલિકાએ હોર્ડિંગ્સ-કિઓસ્કની સાઈટ માટે ટેન્ડરથી ફાળવેલ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવાથી રાજકોટ શહેરમાં હોર્ડિંગ્સ-કિઓસ્ક લગાડવા માટે અમારું અગાઉથી બુકિંગ હોવા છતાં વેન્ડર પર ભાજપના શાસકો અને નેતાઓ દ્વારા કાયમી ધંધો બગડવાની ધમકી આપી અમારા અગાઉથી બુક કરેલ સાઈટ પણ રદ કરી રહ્યા છે. ત્યારે અમોને સમાન હક્ક મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે વિનંતી છે.
વિધાનસભા-68ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂત દ્વારા કુવાડવા રોડ, 80 ફૂટ રોડ, પારેવડી ચોક, ભક્તિનગર સહિતના વિસ્તારોમાં વિવિધ હોર્ડિંગ્સ અને કિઓસ્ક ડિસેમ્બર માસ સુધીના એગ્રીમેન્ટ કર્યા હોવા છતાં એજન્સી દ્વારા અમલ કરતા નથી. આ અમલ ન કરવાનું કારણ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પદાધિકારીઓ છે. તેઓ તમામ એજન્સીને દબાવતા હોય અને ધમકાવતા હોય ત્યારે અમારી રજૂઆત છે કે અમારી સાથે કરેલા એગ્રીમેન્ટનું પાલન કરે. અન્યથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ એગ્રીમેન્ટનું પાલન ન કરવા અને છેતરપિંડી કર્યાની ફરિયાદ કરવામાં આવે અને એજન્સીને બ્લેકલિસ્ટેડ જાહેર કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે.