સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા 6 લોકોએ કેવડિયા અને ગભાણા ગામના 2 આદિવાસી યુવાનોને બાંધકામ સાઇડ પર જોતા બંનેને યુવાનને દોરડા વડે બાંધીને માર મારતા એક યુવાન જયેશ તડવીનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા ગંભીર ઇજાગ્રસ્ત એવા સંજય તડવીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ બંને પરિવારોના યુવાન દીકરાઓના મોતથી આદિવાસી સમાજ શોકાતુર બન્યો છે. એક દીકરાના પિતાએ ત્રણ દિવસથી અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો જ્યારે બીજા દીકરાના માને જુવાન જોધ દીકરાના ગુમાવવાના ગમમાં એક શબ્દ મોઢામાંથી નીકળ્યો નથી. બંને પરિવારો આક્રંદ સાથે બસ એક જ વાત કરી રહ્યાં છે, કસુરવારોને ફાંસી આપો અમને ન્યાય આપો.
કેવડિયામાં ટ્રાયબલ મ્યુઝિયમની સાઇટ પર પ્રવેશેલા કેવડિયાના બે સ્થાનિક આદિવાસી યુવાનોને સાઇટના કર્મચારીઓએ બંધક બનાવી ઢોર મારતા એક યુવકનું બુધવારે, જ્યારે રાજપીપળાની સિવિલમાં સારવાર લઇ રહેલાં બીજા યુવકનું ગુરુવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બે યુવાનના મૃત્યુ બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો હતો. જેના પગલે શુક્રવારે વિશ્વ આદિવાસી દિવસે જ કેવડિયા અને ગરૂડેશ્વર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ડેડિયાપાડાના ધારાસભ્યે વિશ્વ આદિવાસી દિવસને આક્રોશ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરતાં પોલીસ તંત્રમાં દોડધામ જોવા મળી હતી.