BCCIએ વુમન્સ IPLની મીડિયા રાઇટ્સ વેંચવા માટે ટેન્ડર્સ મગાવ્યા છે. 2023માં પહેલીવાર વુમન્સ IPLનું આયોજન કરવામાં આવશે. બોર્ડે પહેલી પાંચ સિઝન એટલે કે 2023-2027 સુધીના મીડિયા રાઇટ્સની નીલામી કરશે.
કંપનીઓએ ટેન્ડર પેપર ખરીદવા પડશે
બોર્ડે જે સૂચના બહાર પાડી તેમાં જણાવ્યા પ્રમાણે મીડિયા રાઇટ્સ ખરીદવા ઇચ્છુક કંપનીઓને ટેન્ડર ડોક્યૂમેન્ટ્સ ખરીદવા પડશે. આ ડોક્યૂમેન્ટ માટે કંપનીઓએ 5 લાખ રૂપિયાની નોન રિફંડેબલની રકમ આપવી પડશે. ડોક્યૂમેન્ટ ખરીદવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2022 છે. ડોક્યૂમેન્ટ ખરીદ્યા પછી કંપનીઓ wipl.mediarights@bcci.tv પર પેમેન્ટ ડિટેઇલ્સ મોકલવી પડશે.
બોર્ડે એ પણ વાત કરી છે કે ટેન્ડર ડોક્યૂમેન્ટ ખરીદવાનો એ મતલબ નથી કે આના પરથી બોલીમાં ભાગીદારીની પરમિશન મળી જાય છે. બોર્ડ પહેલા બધી જ કંપનીઓની યોગ્યતાને પારખશે અને આના પછી જ બોલીમાં ભાગ લેવા માટે રપમિશન આપશે. પાંચ ટીમની નીલામી પણ થશે. વુમન્સ IPLની શરૂઆત પાંચ ટીમથી થશે. એક ટીમની બેઝ પ્રાઇઝ 400 કરોડ રૂપિયા હશે. બોર્ડને આશા છે કે તેનાથી તેમને 1000-1500 કરોડ રૂપિયા મળશે. ટીમની નીલામીની પ્રક્રિયા ક્યારે શરૂ થશે, તેની માહિતી હજુ મળી નથી.
વુમન્સ IPL મેન્સની ઘણી લીગ કરતા મોટી હશે
વુમન્સ IPLના મીડિયા રાઇટ્સ વેંચવાથી BCCIને કેટલી અંદાજિત રકમ મળી શકે છે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જો કે, એવું માનવામાં આવે છે કે આ લીગ પ્રસારણ અધિકારોના સંદર્ભમાં પાકિસ્તાન સુપર લીગ, બિગ બેશ લીગ જેવી મોટી મેન્સની T20 લીગને પાછળ છોડી શકે છે. પાકિસ્તાન સુપર લીગની 2 સીઝન (2022 અને 2023) માટે, PCBને લગભગ 159 કરોડ રૂપિયા (INR) મળ્યા છે. એટલે કે એક સિઝન માટે લગભગ 80 કરોડ. PCBને પાકિસ્તાનની બહાર પ્રસારણ માટે થોડી વધુ રકમ મળી છે. બીજી તરફ BCCIએ 5 વર્ષ માટે મેન્સ IPLના મીડિયા રાઈટ્સ 48 હજાર કરોડમાં વેચી દીધા હતા. એટલે કે એક સીઝન માટે 9.6 હજાર કરોડ મળશે.