મંકીપોક્સ વાયરસ હવે આફ્રિકાની બહાર પણ ઝડપથી ફેલાવા લાગ્યો છે. સ્વીડન અને પાકિસ્તાન બાદ હવે સોમવારે ફિલિપાઈન્સમાં પણ મંકીપોક્સનો કેસ સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર આ વર્ષે ફિલિપાઈન્સમાં મંકીપોક્સનો આ પહેલો કેસ નોંધાયો છે. અગાઉ ડિસેમ્બરમાં પણ આ વાયરસના કેસ જોવા મળ્યા હતા.
ફિલિપાઈન્સના આરોગ્ય વિભાગે કહ્યું કે દર્દી તેના દેશની બહાર ક્યાંય ગયો નથી. દર્દીમાં વાયરસનો કયો પ્રકાર જોવા મળ્યો છે તે જાણી શકાયું નથી. અગાઉ, શુક્રવારે (16 ઓગસ્ટ) પાકિસ્તાનમાં મંકીપોક્સના ત્રણ કેસ મળી આવ્યા હતા. ત્રણેય દર્દીઓ યુએઈની યાત્રા કરીને પરત ફર્યા હતા.
આ તરફ સ્વીડનમાં ગુરુવારે (15 ઓગસ્ટ) મંકીપોક્સનો કેસ નોંધાયો હતો. આફ્રિકા બાદ આ પહેલો કેસ હતો. અહેવાલો અનુસાર, દર્દીમાં મંકીપોક્સનો ક્લેડ આઈ નવેરિયન્ટ જોવા મળ્યો હતો, જે જીવલેણ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 14 ઓગસ્ટે Mpox એટલે કે મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરીછે. બે વર્ષમાં આ બીજી વખત છે જ્યારે આ રોગને હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવ્યો છે. WHOના રિપોર્ટ અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં વિશ્વમાં મંકીપોક્સના કારણે 537 લોકોના મોત થયા છે. કોંગોમાં આ રોગ ફાટી નીકળ્યો છે. પડોશી દેશો પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે.