દેશની જીડીપીમાં ઘરેલુ બચતનો હિસ્સો 2021-22માં ઘટીને 10.8% થયો છે. વર્ષ 2020-21માં આ હિસ્સો 16% હતો. બેન્ક ઑફ બરોડાએ RBIના ડેટાના હવાલાથી પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. તે અનુસાર કોવિડ-19 પહેલા એટલે કે વર્ષ 2019-20માં ઘરેલુ બચતનો જીડીપીમાં હિસ્સો 12% હતો. વર્ષ 2021-22માં RBIએ રેપોરેટમાં સતત વધારો કર્યો હતો. લોકોએ વધુ રિટર્નની આશાએ શેરમાર્કેટ અને રોકાણ માટેના અન્ય સાધનોમાં રોકાણ કર્યું.
બેન્કોએ પોતાની ડિપોઝિટ બેઝ બચાવી રાખવા માટે વધુ પડકારનો સામનો કરવો પડ્યો હતો. તે એક વર્ષમાં બેન્કોની કુલ ડિપોઝિટ બેઝ 12.59 લાખ કરોડ રૂપિયાથી 44.8% ઘટી 6.95 લાખ કરોડ થઇ હતી. દરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 150% વધ્યું હતું. વર્ષ 2020-21માં તે 64,084 કરોડ રૂ. હતું. તે વર્ષ 2021-22માં વધીને 1,60,600 કરોડ થયું હતું. શેરમાર્કેટમાં પણ રોકાણ વધ્યું છે. જો કે આ વધારો માત્ર 26.3% સુધી મર્યાદિત રહ્યો હતો. બેન્ક ડિપોઝિટમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં નાની બચત યોજનાઓમાં જમા રકમમાં 21%નો વધારો થયો હતો.