મેક્સિકોમાં ડ્રગ ડોન એલ ચાપોના પુત્ર ઓવિડિયો ગુજમૈન-લોપેઝની ધરપકડ બાદ તોફાન ફાટી નીકળ્યાં છે. તેની ધરપકડનો વિરોધ કરી રહેલા ગેંગ મેમ્બર્સે રસ્તા પર ઘણી ગાડીઓને આગ ચાંપી દીધી. તેઓએ એક એરપોર્ટ પર હુમલો કરી બે વિમાનો પર પણ ફાયરિંગ કર્યું. ગોળીબાર દરમિયાન સુરક્ષાદળોના ત્રણ જવાનનાં મોત થઈ ગયાં. સિનાલોઆ રાજ્યના ગવર્નર મુજબ, અત્યાર સુધી 18થી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ચૂક્યા છે.
32 વર્ષીય ઓવિડિયો ડ્રગ્સ તસ્કરીમાં વિશ્વમાં ‘ધી માઉસ’ના નામે ઓળખાય છે. તે તેના ભાઈઓ સાથે મળી પિતા એલ ચાપોના ડ્રગ નેટવર્કને ઓપરેટ કરે છે. તેને વિશ્વના સૌથી મોટા ડ્રગ નેટવર્ક્સમાં ગણવામાં આવે છે. 65 વર્ષીય એલ ચાપો અમેરિકાની એક જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તેને 2019માં ડ્રગ ટ્રાફિકિંગ અને મની લોન્ડ્રિંગના કેસમાં સજા સંભળાવવામાં આવી હતી.
ધરપકડ બાદ વિરોધમાં ગેંગ મેમ્બર્સે ઉડાવાની તૈયારી કરી રહેલા એક વિમાન પર હુમલો કરી દીધો હતો. તેનાથી ડરી યાત્રીઓએ નીચે નમી પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારે આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. ગેંગ મેમ્બર્સે એરફોર્સના એરક્રાફ્ટ્સ પર પણ હુમલો કર્યો. હુમલાના કારણે સિનાલોઆ રાજ્યમાં 100થી વધુ ફ્લાઈટ્સને કેન્સલ કરવી પડી.
સુરક્ષાદળો તોફાનો પર કાબૂ મેળવવા માટે સતત ઓપરેશન કરી રહ્યાં છે. સામાન્ય લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરાઈ છે. આખા રાજ્યમાં શાળાઓને બંધ કરી દેવામાં આવી છે.
ઓવિડિયોની કુલિયાકન શહેરમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને મેક્સિકો સિટીમાં શિફ્ટ કરી દેવાયો. મેક્સિકોના ડિફેન્સ મિનિસ્ટર ક્રેસેંશિયો સેંડોવલે જણાવ્યું કે, પાછલા 6 મહિનાથી ઓવિડોયો પર નજર રાખવામાં આવી રહી હતી. તેમાં અમેરિકન અધિકારીઓએ પણ મદદ કરી હતી.
જોકે, અમેરિકાએ ડિસેમ્બર 2022માં ઓવિડિયો અને તેના ભાઈઓની જાણકારી આપવાવાળા વ્યક્તિને 50 લાખ ડોલર એટલે 41.3 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. ઓવિડિયોની 2019માં પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ગેંગ મેમ્બર્સની હિંસા ભડકાવાની ધમકી બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.