અહિંસા પરમો ધર્મનો નારો જ્યાંથી સતત ગુંજતો હોય છે તે જૈન મંદિરમાં યુવકને છરીના ઘા ઝીંકી તેના આંતરડા કાઢી નાખવામાં આવ્યા હતા. યુવક તેની પત્ની સાથે મંદિરમાં પૂજા કરી રહ્યો હતો ત્યારે તેનો પૂર્વ મકાનમાલિક ધસી આવ્યો હતો અને યુવકને છરીના ચાર ઘા ઝીંકી દીધા હતા. હિચકારા હુમલાથી મંદિર પરિસરમાં લોહીના ખાબોચિયાં ભરાઇ ગયા હતા.
શહેરના હરિ ઘવા રોડ પરની અયોધ્યા સોસાયટીમાં રહેતા અમિતભાઇ પરસોત્તમભાઇ સગપરિયા (ઉ.વ.42) અને તેમના પત્ની રીનાબેન (ઉ.વ.40) મંગળવારે સવારે સાતેક વાગ્યે પંચનાથ પ્લોટમાં આવેલા દિગંબર જૈન મંદિરે પૂજાપાઠ કરવા ગયા હતા. સગપરિયા દંપતી સહિત અનેક લોકો મંદિરમાં પૂજાપાઠ કરી રહ્યા હતા ત્યારે કોઠારિયા રોડ પરના ગોવિંદનગરમાં રહેતો ભાવેશ વિનોદ ગોલ મંદિરમાં આવ્યો હતો. તેના હાથમાં થેલી હતી. ભાવેશ ગોલ પૂજા કરી રહેલા અમિતભાઇ સગપરિયા પાસે પહોંચ્યો હતો અને પોતાની પાસે રહેલી થેલીમાંથી છરી કાઢી હતી. અમિતભાઇ તેમજ પૂજા કરી રહેલા લોકો કંઇ સમજે તે પહેલાં જ ભાવેશ ગોલ છરીથી અમિતભાઇ પર તૂટી પડ્યો હતો અને તેણે અમિતભાઇને પડખામાં, છાતીમાં અને હાથમાં છરીના ચાર ઘા ઝીંકી દીધા હતા.
ઝનૂનપૂર્વક છરીના ઘા ઝીંકાતા અમિતભાઇના આંતરડા બહાર નીકળી ગયા હતા. મંદિરમાં લોહીના ખાબોચિયાં ભરાઇ ગયા હતા. આ ઘટનાથી દર્શનાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી. અમિતભાઇ તરફડિયા મારવા લાગ્યા હતા અને હુમલાખોર ભાવેશ ગોલ છરીનો ઘા કરી નાસી ગયો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અમિતભાઇને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.