રાજકોટમાં છાશવારે માદક પદાર્થનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે મંગળવારે સવારે માધાપર ચોકડી નજીકથી પોલીસે ગીર સોમનાથ જિલ્લાના ગોવિંદપરા ગામના ઇસમને એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. રાજકોટમાં તે ડ્રગ્સના જથ્થાની ડિલિવરી કરે તે પહેલાં જ પોલીસે પકડી લીધો હતો.
માધાપર ચોકડીથી અયોધ્યા ચોક તરફથી કાળા કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર પસાર થવાની છે અને તે કારમાં ડ્રગ્સનો જથ્થો છે તેવી માહિતી મળતા એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા સહિતની ટીમ હરકતમાં આવી ગઇ હતી અને માધાપર ચોકડીથી અયોધ્યા ચોક તરફના રસ્તે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. નિયત નંબરની કાર પસાર થતાં જ પીઅાઇ જાડેજાઅે કારને અટકાવી હતી. કારની તલાશી લેવામાં આવી હતી તેમાં કંઇ શંકાસ્પદ મળ્યું નહોતું, પરંતુ કારચાલક દિલાવર મહમદ સુમરાની તલાશી લેતા તેણે પહેરેલા જિન્સ પેન્ટના ખિસ્સામાંથી કોથળીમાં પેક કરેલો રૂ.2.10 લાખની કિંમતનો 21 ગ્રામ એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.