ચીનના ગ્રેટ સિચુઆનમાં 12મે 2008ના રોજ ભૂકંપમાં 69 હજાર લોકોનાં મોત થયાં હતાં. પણ હવે આ સમાચાર, તેની તસવીરો, વીડિયો કંઈ પણ ઇન્ટરનેટ પર હાજર નથી. જાણે આ ઘટના ઘટી જ નહોતી. આમ ચીનમાં લોકો રાષ્ટ્રપતિ શી જિનપિંગના જીવનનાં 10 વર્ષ, જ્યારે તે બે રાજ્યોના રાજ્યપાલ હતા, ક્યાંય નથી શોધી શકતા.
હકીકતે, ચીને વર્ષ 1995થી 2005 સુધીનો બધો ડેટા ઇન્ટરનેટ પરથી ડિલીટ કરી દીધો. સમાચારોની વેબસાઇટ્સ પર આ 10 વર્ષો વચ્ચે અપલોડ કરાયેલા કોઈ સમાચાર હાજર નથી. બ્લોગ, પોસ્ટ બધું ડિલીટ કરાયું છે. ત્યાં સુધી કે કોઈ લોકો અને સંસ્થાઓની ઇન્ટરનેટ ઓળખ જ ખતમ થઈ ગઈ છે... જાણે આ લોકો અને સંસ્થાઓ ક્યારેય હતા જ નહીં. હકીકતે, ચીનમાં ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સર્ચ એન્જિન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ત્યાં ચીનનું પોતાનું સર્ચ એન્જિન‘ બાઇડૂ ’ચાલે છે. હવે આ સર્ચ એન્જિન પર અને અન્ય તમામ પ્લેટફોર્મ પર જ્યારે તમે કંઈ પણ સર્ચ કરો છો તો 10 પેજ ખૂલે છે, પરંતુ સર્ચમાં માત્ર સરકારની સંસ્થાઓનું કન્ટેન્ટ અને ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનની જાહેરાતો જ દેખાય છે. જેક મા, મા હુતાંગ જેવા મોટા બિઝનેસમેનો અને તેના કોઈ પણ બિઝનેસ વિશે આ 10 વર્ષોથી ઇન્ટરનેટ પર કંઈ જ ઉપલબ્ધ નથી.
ચીનમાં સેન્સરશિપ નવી નથી. સરકાર દરેક વસ્તુ પર નજર રાખે છે અને એવી કોઈ સરકારી માહિતી જે ચીનની સરકારને યોગ્ય ન લાગે ન દેશમાં આવે છે ન દેશની બહાર જાય છે.અલગ-અલગ ભાષાઓમાં ઇન્ટરનેટની પહોંચ પર શોધ કરનારી વેબ ટેક્નોલોજી સરવેના રિપોર્ટ અનુસાર ચીનમાં 100 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ છે. એટલે કે દુનિયામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર દરેક પાંચમી વ્યક્તિ ચીની છે, પણ મંદારિનમાં દુનિયામાં હાજર વેબસાઇટ્સના હવે માત્ર 1.3% જ ઉપલબ્ધ છે.